સુરત રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતા એક યુવકનું વલસાડના ઉદવાડા નજીક ટ્રેન અડફેટે મોત નીપજતા ભારે ચકચાર મચી છે. આ ઘટનાને પગલે સુરતના મોટી સંખ્યામાં કુલીઓ અને સમાજના આગેવાનો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને રેલવે પોલીસ સામે ગંભીર આક્ષેપો કરીને તપાસની માંગ કરી છે.

કુલીઓએ સિવિલ હોસ્પિટલ ગજવી

મૃતક કુલીના સાથીદારો અને પરિવારજનોનો દાવો છે કે, કુલીએ રેલવેમાં થતી દારૂની હેરાફેરીનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો. આ બાબતે પોલીસ સાથે બોલાચાલી થઈ હતી અને શંકા છે કે રેલવે પોલીસે તેને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હતો, જેના કારણે તેનું મોત થયું છે. કુલીઓએ આ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

રેલવે પોલીસનો બચાવ

બીજી તરફ, રેલવે પોલીસે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. રેલવે ડીવાયએસપી (DYSP) ના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમે ટ્રેનમાં જુગાર રમી રહેલા કેટલાક શખ્સોને પકડ્યા હતા, જેમાં આ કુલી પણ સામેલ હતો. પોલીસની પકડમાંથી બચવા માટે કુલીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન તે અકસ્માતે ટ્રેન નીચે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું.

વાતાવરણ તણાવપૂર્ણ

વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કુલીઓના મોટા ટોળા ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક તરફ પોલીસ તેને અકસ્માત ગણાવી રહી છે, તો બીજી તરફ વીડિયો બનાવવાની વાતને લઈને હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ સત્ય શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડી તપાસ બાદ જ બહાર આવશે.

આ પણ વાંચો: Surat: મદદના બહાને ATM કાર્ડ બદલી ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, 54 કાર્ડ કબજે