કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યના આહ્લાદક દ્રશ્યો સર્જાય છે. કપરાડાના રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવ કુંડમાં નવા નીર આવવાની સાથે ડુંગરાળ વિસ્તારમાં લીલોતરી છવાઈ જતાં આ સ્થળ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કપરાડા તાલુકામાં કોલક નદીને અડીને આવેલા રોહિયાળ તલાટ ગામમાં વહેતું કુદરતી ઝરણું 'પાંડવ કુંડ' તરીકે વિખ્યાત છે. ચોમાસા દરમિયાન કુંડમાં નવા નીર આવતાની સાથે જ ઝરણું સક્રિય થતાં, કુંડ સહિતના વિસ્તારોનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. હાલ ચોમાસા દરમિયાન ગામમાં આવેલા ડુંગરો લીલોતરીથી આચ્છાદિત થઈ જતા હોવાથી અનોખું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ચાલુ વર્ષે ચોમાસાનું અપેક્ષા કરતાં મોડું આગમન થયું છે અને હાલ મેઘરાજાએ પણ વિરામ લીધો છે. કપરાડા તાલુકામાં નજીવા વરસાદ વચ્ચે પાંડવ કુંડનું ઝરણું સક્રિય થઈ ગયું હોવાની જાણ સહેલાણીઓને થતાં, કુદરતી સૌંદર્યનો આનંદ લેવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા માટે પાંડવ કુંડ યુવા વર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વીકએન્ડ દરમિયાન વલસાડ જિલ્લા સહિત નવસારી તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં આવીને કુદરતી સૌંદર્યનો આનંદ લઈ રહ્યા છે. રોહિયાળ તલાટનું પાંડવ કુંડ એક લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. સહેલાણીઓની વધતી જતી ભીડ અને પ્રવાસીઓની અવરજવરને ધ્યાનમાં રાખી, સ્થાનિક તંત્ર દ્વારા સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો