વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક આવેલા એક વ્યસ્ત હાઇવે ક્રોસિંગ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. એક પરિવાર કાર લઈને હાઇવે ક્રોસ કરી રહ્યો હતો, બરાબર તે જ સમયે રોડ પર યમદૂત બનીને દોડતી એક ભારેભરખમ ટ્રકે આ કારને સાઇડમાંથી જોરદાર અડફેટે લીધી હતી.
ટક્કર મારી ટ્રક આગળ ઘૂસી ગઈ, અન્ય બે વાહનો પણ હડફેટે
આ અકસ્માત માત્ર એક કાર પૂરતો સીમિત નહોતો. બેફામ ટ્રક ચાલકે કારને કચડ્યા બાદ પણ બ્રેક લગાવી નહોતી, જેના કારણે હાઇવે પર આગળ જઈ રહેલા અન્ય બે વાહનો પણ આ અકસ્માતની ચેન રીએક્શનમાં આવી ગયા હતા અને તેમને પણ ભારે નુકસાન થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર એક અભાગી મહિલાને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
CCTV માં કેદ લાઈવ દ્રશ્યો ચોંકાવનારા
આ સમગ્ર અકસ્માતના દ્રશ્યો નજીકની એક હોટેલ કે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કાર જેવી જ હાઇવે ટ્રેક પર ક્રોસ થવા જાય છે, તે જ સેકન્ડે ફૂલ સ્પીડમાં આવતી ટ્રક તેને ઉડાવી દે છે. આ દ્રશ્યો એટલા ભયાનક છે કે નબળા કાળજાના લોકો જોઈ પણ ન શકે.ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને હાઇવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવી હતી. ભીલાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતક મહિલાના શવને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ તાપમાનનો પારો ઊંચો રહેશે, અસહ્ય ગરમીથી હાલમાં કોઈ રાહત નહીં મળે