વલસાડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બોલાવેલી બેઠકમાં પૂરની પરિસ્થિતિ બાદ જનજીવન થાળે પડે તે માટે યુધ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે જે વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા હોય ત્યાં ઝડપભેર સર્વે પૂર્ણ થાય, કેશ ડોલ અને રાશન કીટનું વિતરણ, રોડ રસ્તાનું રીપેરીંગ અને વહેલી તકે સર્વે પૂર્ણ કરી નુકશાનીના ક્લેઇમ મંજુર કરવા સહિતની અનેકવિધ કામગીરીના આદેશ કર્યા હતાં. ગંદકી, સડેલું અનાજ અને કચરાંના નિકાલ માટે દરેક અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમ બનાવી એક જે.સી.બી. અને 3 ટ્રક ગોઠવી યુધ્ધના ધોરણે ગંદકી ઉલેચવા વાપી મહાનગર પાલિકાના કમિશ્નર અને વલસાડ સહિતની અન્ય પાલિકાના ચીફ ઓફિસરોને સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, ગામડામાં પાણી ઉતરતા વીજ પુરવઠો પુનઃ કાર્યરત થાય તે માટે તૂટી પડેલા વીજ તાર, વીજ પોલ ઉભા કરવાની અને પાણીમાં ડુબેલા ટ્રાન્સફોર્મરની રીપેરીંગની કામગીરી કરી વહેલી તકે ચાલુ કરવામાં આવશે. અને તૂટેલા રસ્તાઓનો સર્વે કરી જલદીથી રીપેરીંગ કરી વાહન વ્યવહાર યોગ્ય બનાવાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો