વલસાડમાં શુક્રવારે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના 1500 જેટલા કર્મચારીઓ પડતર માંગણીઓના સમર્થનમાં રાષ્ટ્રીય વ્યાપી આંદોલનમાં જોડાતા બેંકોમાં દૈનિક કામકાજ સંપૂર્ણ રીતે ઠપ થઇ ગયું હતું. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ રાષ્ટ્રીયવ્યાપી હડતાળને લઈને જિલ્લામાં એક જ દિવસમાં રૂ 500 થી રૂ 700 કરોડની રકમનું ક્લિયરિંગ અટકી ગયું હતુ. જેને કારણે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા.

પડતર માંગણીઓના સમર્થનમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા શુક્રવારે હડતાળનું એલાન કરાયું હતુ. તેથી વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલી વિસ્તારની તમામ રાષ્ટ્રીય કૃત બેંકોની115 શાખાઓના, 1500 કર્મચારીઓ તેમાં જોડાયા હતા.

જિલ્લાના મુખ્ય મથક વલસાડ ખાતે એકત્ર થયેલા બેંક કર્મચારીઓએ તિથલ રોડ સ્થિત બેંક ઓફ બરોડાની રિજિનિયલ કચેરી ખાતે માંગણીના સમર્થનમાં ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો