વાંસદા પશ્ચિમ રેન્જના જામલિયા બીટ વિસ્તારમાં આવેલા રાણી ફળિયા (ગડગાબારી) ખાતે રાત્રિના સમયે ખેરના વૃક્ષો કાપી પાડવાના બનાવમાં વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી સાત આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. વન વિભાગની કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, તા. 27 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે 1:10 વાગ્યાના અરસામાં રાણી ફળિયા નજીક વર્ણારસી તરફ જતા મુખ્ય માર્ગ પર અંધારાનો લાભ લઈ ખેર જાતિના છ વૃક્ષો કાપી પાડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં વાંસદા પશ્ચિમ રેન્જના વન અધિકારીઓ અને કર્મચારીઓએ તપાસ હાથ ધરી હતી.
નાયબ વન સંરક્ષક, વલસાડ તથા એ.સી.એફ., વાંસદાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે ગુનાની તપાસ તેજ બનાવી હતી. તપાસ દરમિયાન બનાવમાં સંડોવાયેલા હોવાનું જણાવાતા સાત શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં શશિકાંત અમૃત પટેલ (રહે. લીમઝર), કિરણ કાનુભાઈ પટેલ, અવિનાશ દીપક પટેલ, અજય મુકેશભાઈ ગરાસિયા અને નીતિન નવીનભાઈ ગરાસિયા (રહે. રાણી ફળિયા), સંજય ગમનભાઈ ગરાસિયા (રહે. ગરાસિયા) તથા રોહિત મામલભાઈ જાદવ (રહે. રાણી ફળિયા)નો સમાવેશ થાય છે.આ ઉપરાંત વન વિભાગે ખેરના લાકડાનો આશરે 2.026 ઘનમીટર જથ્થો, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ત્રણ મોટરસાયકલ તથા આઇશર ટેમ્પો નંબર જીજે -15-એક્ષ-8668 કબજે કર્યો છે. આ મામલે ભારતીય વન અધિનિયમ, 1927ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો