વલસાડ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા કરાયેલા દબાણને ફરી આજે દૂર કરવામાં આવ્યું હતું.

વલસાડ નગર પાલિકાના માજી પ્રમુખ દીપક રાણા દ્વારા જલારામ બાપા રોડ પર, ડી.એસ.પી. ઓફિસની સામે આવેલી હાજી માર્કેટમાં ગેરકાયદે બનાવેલો કાચો શેડ વલસાડ નગર પાલિકા દ્વારા રવિવારે તોડી પાડવામાં આવ્યો હતો. તેમજ માજી પ્રમુખને રૂ. 20,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અગાઉ પણ પાલિકાની ટીમે રોડ માર્જિનમાં બનાવેલો શેડ દૂર કર્યો હતો. હોટલમાં મૂકેલા બાંકડા-ખુરશી વગેરે સામાન પણ કબજે લીધો હતો.

અને ફરી ગેરકાયદે બાંધકામ ન કરવા એ સમયે તાકીદ કરી હતી છતાં ફરી રોડ માર્જિનમાં શેડ તાણી બાંધ્યો હતો. જેથી રવિવારે પાલિકા એ ફરી આકરી કાર્યવાહી કરી છે. પાલિકાના સૂત્ર એ જણાવ્યું કે, માજી પ્રમુખ દ્વારા કાચો શેડ બનાવી હોટેલ ચલાવવામાં આવે છે, તેમાં ફાયર સેફ્ટીની મંજૂરી નથી, સી.સી. ટી.વી. કેમેરા પણ મૂક્યા નથી. જે અંગે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો