ઉમરગામ તાલુકાના ગોવાડાથી ઝાઈ (મહારાષ્ટ્ર) તરફ્ જતા કોસ્ટલ હાઈવે પર ગોવાડા ચાર રસ્તા નજીક શનિવારે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઓવરટેક કરવા જતાં મોટરસાઇકલે મોપેડ અને કાર સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં બાઈકચાલકનું કરુણ મોત નીપજ્યું હતુ, જ્યારે અન્ય ત્રણને ઈજાઓ પહોંચી હતી.

દાહણુ તાલુકાના ઘોલવડ ગામે રહેતા અને ટેમ્પો ડ્રાઇવિંગ કરતા હિતેશભાઈ છનાભાઈ આહિરે શનિવારે સવારે મોપેડ (MH-48- Q-5794) લઈ તેમની માતા લીલાબેનને ટીંભી ગામેથી દવા લઈને પરત ઘોલવડ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોવાડા ચાર રસ્તા પાસે પાછળથી આવેલી કેટીએમ મોટરસાઇકલ (MH-48-DL-4252)ના ચાલકે હિતેશભાઈની મોપેડને ઓવરટેક કરવા જતાં પાછળથી જોરદાર ટક્કર મારી હતી. તેથી હિતેશભાઈ અને તેમની માતા રોડ પર પટકાતાં ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કેટીએમ મોટરસાઇકલ રોંગ સાઈડ પર જઈ સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતા કેટીએમ ચાલક અમોલ જયવંત વણઝારા અને પાછળ બેસેલા મેહુલ ઉમરસાડા (બંને રહે. નાગનકસ, તા. દાહણુ)ને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા અમોલ વણઝારાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા મેહુલને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ્ મોપેડસવાર હિતેશભાઈ અને તેમની માતા લીલાબેનને માથા તથા કમરના ભાગે ઈજા થતાં ઉમરગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.