માલવણ ગામેથી પસાર થઇ રહેલા કારના ચાલકે ચીખલીના સોલધરા ગામના બાઇકચાલકની બાઇકને ટક્કર મારતા બાઇક ખાડામાં ઉતરી ગઈ હતી. જે બાદ કાર પણ બાઈક નજીક ખાબક્યા બાદ પલટી મારી જતા, વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીને ગંભીર અને દોઢ વર્ષીય પુત્રીને ઇજા થઇ હતી.
ચીખલી તાલુકાના સોલધરા ગામના નાયકીવાડ ખાતે રહેતા અજયભાઇ ગણપતભાઈ પટેલ તેમની પત્ની પિનલબેન અને દોઢ વર્ષીય પુત્રી સાથે બાઈક (નંબર જીજે 21 બી એલ 2610) ઉપર વલસાડના માલવણ ગામના કોસ્ટલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. માલવણના ખારવા ફળિયા પાસેથી પસાર થઇ રહેલી કાર (નંબર જીજે 15 સીએમ 2508)ના ચાલકે અજયભાઈની બાઇકને ટક્કર મારી દેતા, બેકાબૂ બનેલી બાઈક ખાડામાં ખાબકી હતી.
