વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા નવનિર્માણ બ્રિજનો સ્લેબ અચાનક ધરાશાયી થવાની ગંભીર ઘટનાના પડઘા હવે રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી પડ્યા છે. આ દુર્ઘટનામાં 4થી વધુ કામદારો દટાયા હતા, જેને પગલે સરકારે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે. બ્રિજનો સ્લેબ તૂટી પડવાના મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની જવાબદારી માર્ગ-મકાન વિભાગના સર્કલ ઓફિસર (CO)ને સોંપવામાં આવી છે.
સરકારને સોંપાશે વિગતવાર રિપોર્ટ
સર્કલ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લેશે. તેઓ બ્રિજના નિર્માણની ગુણવત્તા, વપરાયેલ સામગ્રી, ડિઝાઇનમાં ખામી અને બાંધકામની પ્રક્રિયા સહિતની તમામ વિગતોની બારીકાઈથી ચકાસણી કરશે. સર્કલ ઓફિસર દ્વારા સ્થળ મુલાકાત અને ટેકનિકલ તપાસ પૂર્ણ થયા બાદ, તેઓ બ્રિજ તૂટી પડવાના કારણો અને કસૂરવારોની વિગતો સાથેનો વિગતવાર રિપોર્ટ તાત્કાલિક રાજ્ય સરકારને સુપરત કરશે. સરકાર આ રિપોર્ટના આધારે બ્રિજની ગુણવત્તામાં કોઈ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય અને વહીવટી પગલાં લેશે. વલસાડની આ ઘટનાએ રાજ્યમાં ચાલી રહેલા બાંધકામના કાર્યોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
