ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (શહેરી આજીવિકા મિશન જીયુએલએમ) દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે ભાર મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત વલસાડ ખાતે વલસાડ નગરપાલિકા દ્વારા સી.બી. હાઇસ્કૂલના મેદાન પર યોજાયેલા 10 દિવસીય સ્વદેશી મેળામાં સ્થાનિક મહિલા શક્તિનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યુ હતું. આ મહિલા ઉદ્યમીઓએ માત્ર 10 દિવસમાં 14 લાખથી વધુનો વેપાર કર્યો હતો. ગત તા.28 ઓક્ટોબરથી તા. 06 નવેમ્બર સુધી યોજાયેલ આ મેળામાં આશરે 50 જેટલા સ્ટોલ્સ પર સખીમંડળની બહેનોએ પોતાના ઘરેલુ અને હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કર્યુ હતું. નાગલીના પાપડ, વેફર, ચકરી, તોરણ, દિવા, ઘર સજાવટની વસ્તુઓ સહિત હાથ બનાવટની અન્ય ચીજવસ્તુઓનું વેચાણ આ બહેનોએ કર્યુ હતું. વલસાડના વાવડી વિસ્તારમાં રહેતા હિનાબેન ભંડારી અને ખુશ્બબેન પટેલે જણાવ્યું કે, હેન્ડમેડ બંગડીઓ, ઉનમાંથી બનાવેલી અવનવી વસ્તુઓ, સેટ અને એરિંગ્સ જેવી વસ્તુઓને સારો પ્રતિસાદ મળ્યો અને અંદાજે રૂા. 10,000 જેટલી આવક થઇ છે. તેઓએ વિનામૂલ્યે સ્ટોલ ફાળવવા બદલ સરકારનો આભાર માન્યો હતો. આ મેળામાં લસણની ચટણી, અથાણાં, મિલેટ્સની મિઠાઇઓ અને નાગલીના પાપડ જેવી ચીજવસ્તુઓ લોકપ્રિય રહી હતી. આ મેળો માત્ર વેપાર પૂરતો સીમિત ના રહેતા, પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. લીમડા, કેસુડા અને ચંદનથી બનેલા કેમિકલયુક્ત કોસ્મેટિક્સ તેમજ વાંસમાંથી બનાવેલી કલાત્મક ઘર સજાવટની વસ્તુઓએ પણ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો