17

સરીગામ ગ્રામ પંચાયત ખાતે શુક્રવારે યોજાયેલી ગ્રામસભામાં સરીગામ ગ્રામ પંચાયતનું ત્રણ અલગ-અલગ ગ્રામ પંચાયતમાં વિભાજન કરવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. ગ્રામસભામાં બહુમતી ગ્રામજનોએ નગરપાલિકા બનાવવાને બદલે વિસ્તારની વસ્તી અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ત્રણ ગ્રામ પંચાયત રચવાની માંગને સમર્થન આપ્યું હતું.

ગ્રામજનો દ્વારા પ્રથમ સરીગામ, ભંડારવાડ અને બોનપાડાને આવરી લેતી ગ્રામ પંચાયત, બીજી સરીગામ વાડીયાપાડા અને મસિયા ફ્ળિયાને આવરી લેતી ગ્રામ પંચાયત તેમજ ત્રીજી કરી ગામ મહાવીરનગરથી સરીગામ વર્તમાન સુધીના વિસ્તારને આવરી લેતી મુખ્ય ગ્રામ પંચાયત બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. એક તરફ્ ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર દ્વારા સરીગામ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં રૂપાંતરિત કરવા રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ્ ગ્રામસભામાં જ બહુમતી ગ્રામજનોએ નગરપાલિકાના બદલે ત્રણ ગ્રામ પંચાયત બનાવવાની માંગ કરતાં સરીગામના સ્થાનિક રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સરીગામ નગરપાલિકા બન્યા બાદ વહીવટી સુવિધાઓમાં વધારો થઈ શકે છે, પરંતુ તેની સાથે સામાન્ય નાગરિકો પર વિવિધ પ્રકારના કર અને વેરાનો બોજ વધવાની તેમજ સરકારી નીતિ-નિયમોનું વધુ કડક પાલન કરવું પડે તેવી શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો