આજના એ.આઇ.ના જમાનામાં યુવાવર્ગ વાંચન સહિતની તમામ બાબતો માટે મોબાઇલ ફોન પર અવલંબિત થઇ ગયો છે, ત્યાં બીજી તરફ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ધરમપુર નગરપાલિકા સંચાલિત 140 વર્ષ જૂની શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વાંચન માટે યુવાઓ સવારથી જ લાઇન લગાડી દે છે. સરકારી નોકરી મેળવવા ઇચ્છુક યુવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આ લાઇબ્રેરી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને અત્યાર સુધીમાં 101 યુવક-યુવતીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરીને પોતાના સપનાઓને પાંખો આપી છે. જે બાબત અન્ય યુવાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. રજવાડી નગરી ગણાતા ધરમપુર નગર અને તાલુકામાં મોટાભાગની પ્રજા આદિવાસી સમુદાયની હતી. આ વિસ્તારમાં નીરક્ષરતા દૂર કરવાના ઉમદા આશયથી રાજવી માહારાણા શ્રી નારણદેવજીએ 140 વર્ષ પહેલા તા. 01-10-1886ના રોજ આ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. લાઇબ્રેરીના ગ્રંથપાલ નિમેષભાઇ ભટ્ટના જણાવ્યાનુસાર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓ માટે ધરમપુરની આ લાઇબ્રેરી આશીર્વાદ સમાન છે. અહીં મળતી સુવિધાઓને કારણે વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ અને વાંસદા તાલુકાના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો પણ વાંચન માટે આવે છે. દરરોજ 100થી વધુ ઉમેદવારોની અવરજવરને કારણે લાઇબ્રેરી સતત ધમધમતી રહે છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ પરીક્ષાલક્ષી પુસ્તકો, સમાચારપત્રો પણ મંગાવી આપવામાં આવે છે. કુલ 19,000 પુસ્તકોના સમૃદ્ધ સંગ્રહ સાથે આ લાઇબ્રેરી વાચકો માટે જ્ઞાનનો ભંડાર બની છે.
