ઉમરગામ તાલુકામાં ઐતિહાસિક વરસાદને પગલે પૂર આવતા ભારે તારાજી સર્જાઈ હતી. પૂરગ્રસ્ત ગામોમાં જનજીવન વહેલી તકે થાળે પડે અને ઝડપથી પુનર્વસનની કામગીરી હાથ ધરાય તે માટે પાલિકા, પંચાયત, ડીજીવીસીએલ, માર્ગ-મકાન, આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ સાથે નુકસાની વળતર માટે કેશડોલ ચૂકવવા ગામેગામ સરવે પણ શરૂ કરાયો છે. આ સમગ્ર કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવા જિલ્લા કલેકટર નીતિન સાંગવાન રવિવારે અધિકારીઓના કાફલા સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા.
કલેક્ટરે ઉમરગામના સંજાણ ગામમાં આવેલી લેપ્રસી કોલોનીની મુલાકાત લઈ થયેલા નુકસાન અંગે અસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી અને વિકટ સ્થિતિમાં તંત્ર તેમની સાથે હોવાની સહાનુભૂતિ આપી હૈયાધરપત આપી હતી. ત્યારબાદ તેમણે સંજાણ ગ્રામ પંચાયત ખાતે ચાલી રહેલી સહાય વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને પૂરપીડિતોની વ્યથા સાંભળી હતી.
