વલસાડ પાલિકાની હાલમાં જ યોજાયેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ દ્વારા કથિત રીતે અપમાન કરાયું હોવાનો મુદ્દો આગળ ધરીને વોર્ડ નં.4ના શાસક પક્ષની જ મહિલા સભ્ય ગત રાત્રીથી પાલિકા કચેરીમાં અનશન પર ઉતરી પડી હતી. મહિલા સભ્યએ પાલિકાના ઉપપ્રમુખ સામે કાર્યવાહી કરવાની માંગણી કરતા વિવાદ ગરમાયો છે.

મોગરાવાડી વોર્ડ નં.3 અને 4ની સરહદ પર આવેલા મણીનગર સોસાયટી વિસ્તારમાં તા.23મી જુલાઇએ પડેલા ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થયો હતો, તેનો નિકાલ કરવા માટે સ્થાનિક રહીશે પાલિકાની મંજુરી વિના જાહેર રસ્તો જે.સી.બી.થી ખોદાવી નાંખતા તેની સામે કાર્યવાહી બાબતે પાલિકાની સામાન્ય સભામાં ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતાં. એ સમયે વોર્ડ નં.4ના શાસક પક્ષના જ મહિલા સભ્ય જ્યોત્સનાબેન રાઠોડ પણ જોર-જોરથી બોલી રહ્યા હતાં. જેને કારણે ઉપપ્રમુખની રજુઆત કોઇને સંભળાતી ના હતી. તેથી ઉપપ્રમુખે તું બેસી જા એમ મહિલા સભ્યને જોઇને બોલ્યા હતાં. જે બાબતથી રોષે ભરાયેલી મહિલા સભ્યએ સભામાં તેમનું અપમાન થયું હોવાનું કહીને ઉપપ્રમુખ વિરૂધ્ધ નગરપાલિકા અધિનિયમની કલમ હેઠળ કાર્યવાહી કરી તેમનું સભ્યપદ રદ કરવાની માંગણી કરી હતી. જો 03 દિવસમાં કોઇ કાર્યવાહી નહીં થશે તો તેણી પાલિકા કચેરીમાં આમરણાંત ઉપવાસ પર ઉતરી પડશે તેવી ચીમકી પાલિકાના સી.ઓ. તથા પ્રમુખને પાઠવેલા પત્રમાં આપી હતી. જે બાદ ગુરુવારે સવારથી પાલિકા કચેરીમાં બેસી રહેલા મહિલા સભ્ય રાત્રે 8-30 વાગ્યે એકાએક પાલિકા કચેરીમાં જ આમરણાંત ઉપવાસ પર બેસી ગયાં હતાં. પાલિકાના અધિકારી-કર્મચારીઓએ તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના સિનિયર સભ્યોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ટસ ના મસ થયાં નહતાં અને આખી રાત પાલિકા કચેરીમાં ગાદલાં પાથરીને સૂઇ ગયાં હતાં. આજે તેમની સાથે પાલિકાના કાયદા સમિતિના ચેરમેન નિતેશ વશી જોડાયા હતાં. ઉપરાંત જિલ્લા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયશ્રીબેન પટેલ પણ તેમને મળવા આવ્યા હતાં. બીજી તરફ, ઉપપ્રમુખ આશુતોષભાઇ મિશ્રાના નજીકના સૂત્રના જણાવ્યાનુસાર, તેમણે મહિલા કોર્પોરેટરને અપશબ્દો કહ્યા નથી. ખરાબ કોમેન્ટ નથી કરી, અણછાજતા શબ્દો નથી વાપર્યા, જાતિ વિષયક ટકોર નથી કરી તો પછી માફી શા માટે માંગે તેમ જણાવી રહ્યા છે. સંસદમાં વિધાનસભામાં સભ્યો એક-બીજાને ગાળો આપે છે, હાથાપાઇ કરે છે છતાં કોઇ કાર્યવાહી નથી થતી. અહીં તો તેમણે મહિલા સભ્યને તું બેસી જા એટલું જ કહ્યુ છે તો એમાં અપમાનની વાત જ ક્યાં આવે છે તેમ જણાવી રહ્યા છે. હાલ તો આ સમગ્ર નાટકીય ઘટનાક્રમમાં શિસ્તબધ્ધ ભાજપ પાર્ટીમાં હવે કોઇ કોઇનું સાંભળતુ નથી, પક્ષની આબરૂનું ધોવાણ થઇ રહ્યુ છે.