વલસાડની ઔરંગા નદીમાં ગુરુવારે આવેલા ઘોડાપૂરને કારણે શહેર અને તાલુકામાંથી પસાર થતી નદીની ઉપરના પુલ પરના રસ્તા તથા પુલના એપ્રોચ રોડ ધોવાઈ જતાં વલસાડથી ખેરગામ સુધીનો સ્ટેટ હાઈવે અને વલસાડથી બંદરરોડથી હનુમાનભાગડા જતા પુલના રોડ પર 15થી 20 ફૂટનું મોટું ગાબડું પડી જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. છીપવાડ ગરનાળા પાસેના સ્ટેટ હાઈવે રોડની સાઈડ વોલનો 30થી 40 ફૂટ જેટલો હિસ્સો ધસી પડતાં એક તરફ્નો રોડ બંધ કરી દેવાયો હતો.
વલસાડમાં પૂરથી રસ્તા, પુલને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. વલસાડના બંદરરોડ પર આવેલ કસ્ટમ ઑફ્સિ નજીક ઔરંગા નદી ઉપર નિર્માણાધીન નવા પુલ પાસેની બાજુમાં રોડ પર 15થી 20 ફૂટનું તોતિંગ ગાબડું પડી જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આ રોડથી ભદેલી જગાલાલા સહિતના કાંઠા વિસ્તારના ગામો તથા કોસ્ટલ રોડ પર અવરજવર થાય છે. એ જ રીતે પારડીસાંઢપોર કૈલાસરોડ પરની ઔરંગા નદીના હયાત જૂના પુલ પરનો રોડ પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે. વલસાડ અને ખેરગામ તાલુકાના આશરે 40 ગામોને જોડતા આ રોડના બંને કિનારે આશરે 10 ફૂટનું તોતિંગ ગાબડું પડી જતાં આ રોડ વાહનોની અવરજવર માટે જોખમી બની ગયો હોવાથી હાલ બંધ કરી દેવાયો છે.
