વલસાડના શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કિસનભાઈ દેસાઈ ફાર્મસી કોલેજના નવનિર્મિત કોલેજ બિલ્ડિંગનું શુક્રવારે રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રીમતી રેખાબેન કિસનભાઈ દેસાઈ ફાર્મસી કોલેજના નવનિર્મિત બિલ્ડિંગની લોકાર્પણ વિધિ, રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલની હાજરીમાં કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્યના નાણાં મંત્રીએ માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈ સંકુલમાં ફાર્મસી કોલેજનો લાભ જિલ્લાના વિદ્યાર્થીઓને મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કોવિડ મહામારી દરમિયાન ગુજરાત રાજ્ય માત્ર દેશમાં નહિ, પરંતુ સમસ્ત વિશ્વને કોવિડ વિરોધી દવાનો જથ્થો પૂરો પડાયો હોવાની માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વાઇબ્રન્ટ સમિટમાં અનેક દેશોએ ફાર્મસી ક્ષેત્રમાં રોકાણ કર્યું હોવાનું ઉમેર્યું હતું. તેમણે ફાર્મસી કોલેજ શરૂ કરવા માટે દાનની સરવાણી વહેવડાવનાર કિસનભાઈ દેસાઈ સહિત તેમના પરિજનોનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધન કરતા વલસાડ અને ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે કેળવણી મંડળના શ્રોષ્ઠ શિક્ષણ આપવાના દાયકાઓ જુના પ્રયાસોને બિરદાવ્યા હતા. પદ્મશ્રી ગફૂરભાઈ બિલખિયાએ નૂતન કેળવણી મંડળને ફાર્મસી કોલેજ શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મંડળને રૂ. 1 કરોડના માતબર રકમ દાન આપવાની જાહેરાત કરી હતી.
