ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં લવ જેહાદના એક કથિત કિસ્સાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હિન્દુ અને જૈન સમુદાયની યુવતીઓને નિશાન બનાવીને વિધર્મી યુવકો દ્વારા સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ વલસાડમાં કરવામાં આવ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રના બોરડી વિસ્તારની બે જૈન સમાજની યુવતીઓએ સંજાણના વિધર્મી યુવકો સાથે લગ્ન કરી લેતાં આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના કાયદાનો તફાવત
આ વિવાદ પાછળ ગુજરાત અને મહારાષ્ટ્રના કાયદાનો તફાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જૈન સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં લવ મેરેજની નોંધણી માટે માતા-પિતાની સહી અને સંમતિ કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કોઈ કડક નિયમ ન હોવાથી, વિધર્મી યુવકો સ્થાનિક કાયદાની છટકબારી શોધીને યુવતીઓને મહારાષ્ટ્ર લઈ જઈ લગ્ન કરી લે છે. આ પ્રકારે કાયદાનો દુરુપયોગ કરીને જૈન યુવતીઓને ફસાવવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે.













