કપરાડા સી.એચ.સી.માં તબીબ સહિત નર્સિંગ સ્ટાફ્ની પણ અછત છે. દર્દીઓની તપાસ માટે જરૂરી તબીબી સાધનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. કપરાડા વિસ્તારના જિ.પં.ના સભ્ય સહિત વિવિધ ગામોના સરપંચોએ સી.એચ.સી.ની આકસ્મિક મુલાકાત લેતા, અનેક ક્ષતિઓ ઉજાગર થઇ છે.

કપરાડાના અંતરિયાળ વિસ્તારનાં ગામોના જરૂરિયાતમંદ દર્દીઓ માટે કપરાડા સી.એચ.સી. મહત્વનું સ્થળ છે. આ ઉપરાંત કપરાડાના માંડવા ગામના અકસ્માત ઝોન તરીકે કુખ્યાત કુંભઘાટ ખાતે સર્જાતા અકસ્માતોમાં ઇજાગ્રસ્તોને સમયસર પ્રાથમિક સારવાર માટે પણ કપરાડા સી.એચ.સી. મહત્ત્વ ધરાવે છે. કપરાડા તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સી.એચ.સી.માં જિ.પં.ની સિલધા બેઠકના સભ્ય જશોદાબેન કિરણભાઈ જાદવ, વિવિધ ગામના સરપંચો અને આગેવાનોએ ગાંધીજયંતીના દિન આકસ્મિક મુલાકાત લઈ આ સ્થળે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન સી.એચ.સી. ખાતે જરૂરિયાત મુજબ તબીબની હાજરી નહિ હોવાની વિગત સામે આવી હતી. આ ઉપરાંત સી.એચ.સી.માં નર્સિંગ સ્ટાફ્ની પણ અછત જેવી સ્થિતિ જોવા મળી હતી. આ સ્થળે સારવાર માટે આવતા દર્દીઓની તપાસ માટે જરૂરી તબીબી સાધનો પણ જરૂરિયાતની સરખામણીમાં અપૂરતા હોવાનું સામે આવ્યું છે. સી.એચ.સી.માં તબીબ સહિતના પેરામેડિકલ સ્ટાફ્ની સતત અછત અને અને જરૂરિયાત મુજબના સાધનો ન હોય, દર્દીઓએ આશરે 60થી 70 કિલોમીટર દૂર વલસાડ કે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. કપરાડા સી.એચ.સી.ની કથિત દયનીય હાલતને લઈને મુલાકાત લેનાર આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી.