વલસાડના સ્ટેડિયમ રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની નજીકમાં આવેલા વીજ પોલ પર ગતરાત્રે અચાનક સંભવતઃ શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ કારણસર જીવંત વીજવાયરમાં ધડાકો થયાં બાદ વાયરો અને ફ્યુઝ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે વીજ પુરવઠો ગુલ થઇ ગયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે, નગરપાલિકા અને પોલીસની રહેમ નજર હેઠળ આ વિસ્તારમાં 100થી વધુ લારી-ગલ્લા-પાથરણાંધારકો ગેરકાયદેસર રીતે ફટાકડાંનું વેચાણ કરી રહ્યા છે. જો આગના તણખલાં આ ખુલ્લામાં, કોઇપણ જાતની સુરક્ષા કે ફાયર સેફ્ટીના સાધનો વગર રાખેલા ફટાકડાંના જથ્થા પર પડયા હોત તો મોટી હોનારત સર્જાઇ હોત તેમ સ્થાનિક દુકાનદારો જણાવી રહ્યા છે. વલસાડના સ્ટેડિયમ રોડ સહિતના વિસ્તારોમાં દર વર્ષે દિવાળીના આશરે 20થી 25 દિવસ પહેલાથી જ પરપ્રાંતિય લોકો જાહેર માર્ગો પાસે ગેરકાયદેસર રીતે ફટાકડાંનું વેચાણ બેરોકટોકપણે કરતા આવ્યા છે. આ વખતે પણ સ્ટેડિયમ રોડ પર લાયસન્સ વગર ફટાકડાંનું ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. આ ગેરકાયદે વેપલો જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા તથા પોલીસ તંત્રની નજર સમક્ષ થઇ રહ્યો છે. અહીં ના તો સુરક્ષાના સાધનો છે, ના તો ફાયર સેફ્ટીની કોઇ સુવિધા છે. એવામાં જો કોઇ હોનારત થઇ તો માત્ર ફટાકડાંની લારીઓ જ નહીં તો આ વિસ્તારમાં આવેલી સેંકડો દુકાનો બળીને ખાખ થઇ શકે છે. એવામાં ગતરાત્રે 6-45 વાગ્યાના સુમારે સ્ટેડિયમ રોડ પર સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની પાછળના ભાગે આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં જીવંત વીજતાર સળગવા માંડયા હતાં. જે આગ આગળ વધતી-વધતી કોંગ્રેસ કાર્યાલયની બાજુમાં આવેલ એક શોપીંગ સેન્ટરની નજીકના વીજપોલ સુધી પહોંચી હતી. જેને પગલે આ વીજપોલ પરના જીવંત વીજતાર સળગવા માંડયા હતાં. જે વીજતાર સળગ્યા બાદ તૂટીને નીચે પડતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી દેતા મોટી હોનારત ટળી હતી. વીજ કર્મીઓએ દોઢ કલાકની ભારે જહેમત બાદ વીજ પુરવઠો ફરી બહાલ કરવામાં સફળતા મેળવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે દ્રશ્યો ખૂબ જ ડરામણાં દેખાઇ રહ્યા હતાં. જો વીજતારમાં લાગેલી આગ હજી થોડી આગળ વધી હોત અને એ આગના તણખલાં ત્યાં જાહેર માર્ગ પર ખુલ્લામાં મુકેલા ફટાકડાં પર પડયા હોત તો માત્ર ફટાકડાંની લારીઓ જ નહીં તો આગની જ્વાળાની ચપેટમાં સ્ટેડિયમ રોડ પર આવેલી સેંકડો દુકાનો આવી શકી હોત તેમ જાણકારો જણાવી રહ્યા છે. પોલીસ, નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આ ઘટના પરથી કોઇ બોધપાઠ ના લીધો. તેને કારણે આજે પણ અહીં ગેરકાયદે ફટાકડાંનું વેચાણ કરનારાઓનો રીતસર મેળો જામેલો જોવા મળ્યો હતો. ત્યારે તંત્ર કોઇ મોટી હોનારત થાય તેની રાહ જોઇ રહ્યુ છે કે કેમ ? તેવો પ્રશ્ન વેપારીઓ ઉઠાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો