વલસાડના મોગરાવાડીમાં એક સોસાયટી ખાતે રાબેતા મુજબ ડોર-ટુ-ડોર કચરો લેવા માટે ગયેલી ખાનગી એજન્સીના ડ્રાઇવર દ્વારા કચરા ભરેલા ટ્રેકટરને ગફલતભરી રીતે હંકારતો જોઇને સ્થાનિક જાગૃત યુવાનોએ તેને પકડીને તપાસ કરી તો ચાલક પીધેલી હાલતમાં હોવાનું જણાયુ હતું. ટ્રેકટરમાંથી દારૂની પોટલીઓ મળી આવી હતી. જેથી લોકોએ તેને ઠમઠોરતા માફી માંગવા માંડયો હતો અને ફરી આવી ભૂલ નહીં કરૂં તેવી આજીજી કરવા માંડયો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે, આશરે બે-અઢી મહિના પહેલા શહેરના ધરમપુરરોડ પર ગટરમાં ટ્રેકટર ઉતારી દેનાર આ જ ચાલક હતો. એ સમયે પણ તે નશામાં જ હતો. પોલીસે તેને ડિટેઇન કર્યો હતો, તે પછી પણ ના એ ડ્રાઇવર સુધર્યો કે ના તો એજન્સીના સંચાલકે તેને નોકરી પરથી દૂર કર્યો. મોગરાવાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતી નાગપુરની એજન્સીની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ એજન્સીએ વલસાડ પાલિકામાં કચરાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે ત્યારથી એક પછી એક વિવાદો સર્જાઇ રહ્યા છે. શહેરના 11 વોર્ડમાં નિયમિતપણે કચરો લેવા જતા નથી, ટ્રેકટરો પર મુકાયેલા ડ્રાઇવરો દર બે-ત્રણ દિવસે બદલાઇ જાય છે. જે બાબતે તપાસ કરી તો જાણવા મળ્યું કે, એજન્સી દ્વારા પગાર નિયમિતપણે અને નક્કી કરેલ મુજબ ચૂકવાતો નહીં હોવાથી મોટાભાગના શ્રમજીવીઓ અઠવાડિયામાં જ નોકરી છોડીને ચાલ્યા જાય છે. પાલિકામાં તપાસ કરી તો જાણવા મળ્યું કે, એજન્સી કાર્યરત થઇ એ સમયના કામદારોના ઓળખપત્ર સહિતના તમામ દસ્તાવેજો પાલિકામાં જમા કરાવવામાં આવ્યા હતાં. પરંતુ એ તમામ કામદારો નોકરી છોડી ગયાં છે. નવા મુકાયેલા કામદારોની ઓળખ થાય તે મુજબના એકપણ દસ્તાવેજ પાલિકામાં જમા કરાવવામાં આવ્યા નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો