પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલી બી.એન. ઇન્ડસ્ટ્રીઝ (B.N. Industry) માં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. આ કંપની મુખ્યત્વે એલ્યુમિનિયમનો પાઉડર બનાવતી હોવાનું જાણવા મળ્યું છે, જોકે તે દારૂ ગોળો (ફટાકડા કે અન્ય વિસ્ફોટકો) બનાવતી હોવાની પણ સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે, જેના કારણે ઘટનાની ગંભીરતા વધી ગઈ હતી.


ઉમરસાડીમાં બી.એન. ઇન્ડસ્ટ્રીઝમાં આગ

વહેલી સવારે જ્યારે આ બનાવ બન્યો, ત્યારે કંપનીના શિફ્ટ સંચાલકો અને મેનેજમેન્ટે ત્વરિત નિર્ણય લઈને તમામ કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેનાથી આસપાસના સ્થાનિકોમાં ડર અને સાથે કુતૂહલ સર્જાયું હતું.

8 ફાયર ફાયટરની મદદથી આગ કાબૂ લેવા પ્રયાસ

આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. વલસાડ ફાયર વિભાગની 4થી વધુ અને કુલ 8 જેટલી ફાયર ફાયટર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગના સ્વરૂપને જોતા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આશરે 6 કલાકની સતત મહેનત અને પ્રયાસો બાદ આ ભીષણ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો

જોકે, આ વિનાશક આગને કારણે કંપનીમાં મુકેલો તમામ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો અને મોટું નુકસાન થયું હતું. હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. આગ કયા સંજોગોમાં લાગી તેની તપાસ કરવા માટે હવે વલસાડ FSLની ટીમની મદદ લેવામાં આવશે. FSLની તપાસ બાદ જ આગ લાગવાનું ચોક્કસ અને સત્તાવાર કારણ જાણી શકાશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: