વલસાડ : વલસાડ જિલ્લામાં શુક્રવારે બપોરે 2 વાગ્યા બાદ માત્ર બે કલાકમાં ધરમપુરમાં 3.56 ઇંચ અને વલસાડમાં 2.36 ઇંચ વરસાદ પડતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. બપોર સુધીમાં વલસાડના નીચાણવાળા વિસ્તારોમાંથી, તેમાં પણ ઝીંગા તળાવોમાં મજૂરીકામ કરતા શ્રમજીવીઓ સહિત આશરે 800 જેટલા લોકોનું તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સ્થળાંતર કરાયુ હતું. જિલ્લામાં શુક્રવારે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં વલસાડમાં 3.24 ઇંચ, ધરમપુરમાં 4.36 ઇંચ, પારડીમાં 1.64 ઇંચ, કપરાડામાં 1.64 ઇંચ અને નાનાપોંઢામાં 1.60 ઇંચ વરસાદ નોંધાયો હતો. બપોરે 12વાગ્યે એકાએક મેઘરાજાએ જોરદાર બેટીંગ શરૂ કરી દીધી હતી. 12-00થી 2-00 વાગ્યા સુધીના 2 કલાકમાં વલસાડમાં 15 મીમી, ધરમપુરમાં 15 મીમી, પારડીમાં 14 મીમી., વાપીમાં 16 મીમી, નાનાપોંઢામાં 12 મીમી, કપરાડામાં 07 મીમી અને ઉંમરગામમાં 05 મીમી વરસાદ પડયો હતો. જે બાદ વરસાદનું જોર ધીમુ પડયુ હતું. પરંતુ બપોરે 2 વાગ્યા બાદ માત્ર 2 કલાકમાં ધરમપુરમાં 3.56 ઇંચ, વલસાડમાં 2.36 ઇંચ, પારડીમાં 0.84 ઇંચ, નાનાપોંઢામાં 0.68 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધરમપુર અને વલસાડ તાલુકામાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં જળસ્તર વધે તેવી આશંકાથી તંત્ર દોડતું થયું હતું. તેમજ લોકો પણ ચિંતિત બની ગયાં હતાં. વલસાડમાં બે કલાકમાં ભારે વરસાદ પડતા એમ.જી. રોડ, છીપવાડ દાણાબજાર, અટકપારડી ચાર રસ્તા પાસે, તિથલરોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. શુક્રવારે બપોરે ભારે વરસાદથી મોગરાવાડી ગરનાળું પણ પાણીથી ભરાઇ જતા અવરજવર માટે બંધ થઇ ગયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો