ધરમપુરના ભાંભા ગામેથી પસાર થઇ રહેલા સુરતના કારચાલકે રોડની સાઈડ પર પાર્ક 4 વાહનોને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરથી એક મોપેડ અને એક બાઈક હવામાં ફંગોળાઈ હતી. આ સાથે જ મોપેડ પર બેસેલો ગામનો યુવાન હવામાં ફંગોળાયા બાદ રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા થતાં સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. વાહનોને અડફેટે લીધા બાદ કારના ચાલકે વાહનો પાસે ઊભી રહેલી ગામની યુવતીને પણ ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. વાહનો અને યુવતીને અડફેટે લીધા બાદ બેકાબૂ કાર શેરડીના ખેતરમાં ઘૂસી ગઈ હતી.
ધરમપુરના ભાંભા ગામના નિશાળ ફળિયામાં અમિતસિંહ અશોકસિંહ સોલંકી ધરમપુર 108 એમ્બ્યુલન્સમાં પાઇલટ તરીકે સેવા બજાવે છે. સોમવારે સાંજે 8 વાગ્યે અશોકસિંહ તેમની બાઈક (નંબર જીજે 15 એ એસ 1575) લઈને ગામના આહીર ફળિયામાં આવેલ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ખેરગામ તરફથી આવી રહેલી કાર (નંબર જીજે 24 કે 9547)ના ચાલકે પેટ્રોલપંપ પાસે પાર્ક કરાયેલી મોપેડ નંબર જીજે 15 ઇકે 2370, જીજે 15 ઇજે 5899 અને જીજે 15 બીપી 0298ને ટક્કર મારી હતી. આથી મોપેડ નંબર જીજે 15 ઇકે 2370 અને બાઈક હવામાં ફંગોળાઈ હતી. તે સમયે મોપેડ પાર્ક કરી તેના પર બેસેલા યોગેશભાઈ રણજીતભાઇ પટેલ (રહે. નિશાળ ફળિયા) પણ હવામાં ફંગોળાયા બાદ રોડ પર પટકાતા, તેને ગંભીર ઇજા થઇ હતી. બીજી તરફ ફંગોળાયેલી બાઈક અમિતસિંહની બાઈક સાથે અથડાઈ પડતા તેઓ પણ રોડ પર પટકાતા તેમને પણ ઓછી વત્તી ઇજા થઇ હતી.
