વાંસદા - ડાંગ : ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા, ચીંચલી વિસ્તાર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડ નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. નદીઓ, વહેળાઓ, કોતરડા અને ઝરણાઓમાં ઘોડાપૂર આવતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતાં. ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા 55 કોઝવેકમ પુલો પાણીમાં ગરકાવ થઈ જતા 100થી વધુ ગામોનો જિલ્લા વહીવટી મથક સાથેનો માર્ગ સંપર્ક તૂટી ગયો હતો.

ડાંગ જિલ્લાનાં સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, ચીંચલી, ગારખડી, પીપલાઈદેવી, લવચાલી, સુબિર, પીપલદહાડ, સિંગાણા, મહાલ, બરડીપાડા, ભેંસકાતરી, કાલીબેલ, ઝાવડા, પીંપરી, સાકરપાતળ, વઘઈ સહિત પૂર્વ પટ્ટી અને સરહદીય વિસ્તારોમાં દિવસભર વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. વઘઈનો પ્રખ્યાત ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ ભારે વરસાદને પગલે રૌદ્ર સ્વરૂપે વહેતા જોવા મળ્યા હતાં. ભારે વરસાદમાં સલામતીના કારણોસર વઘઈ નજીક આવેલ ગીરાધોધ શુક્રવારે એક દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો. વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારામાં દિવસભર ગાઢ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ રહેતા દૃશ્યતા ઘટી ગઈ હતી. મોડી સાંજે સાપુતારા ઘાટમાર્ગનાં નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા હતાં. ડાંગ જિલ્લાના અનેક કોઝવેકમ પુલો પાણીમાં ગરકાવ હોવા છતાં કેટલાક લોકો અને વાહનચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતાં જોવા મળ્યા હતાં.