વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અસ્ટોલ ગામે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ગામના કાસ્ટુનીયા ફળિયા નજીકથી પસાર થઈ રહેલો એક ટેમ્પો અચાનક પલટી મારી જતાં ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. આ ટેમ્પોમાં એક જ કુટુંબના સભ્યો સવાર હતા, જેઓ ઘરે પ્રસંગ હોવાથી લગ્નની ખરીદી કરવા માટે ઉત્સાહભેર નીકળ્યા હતા. જોકે, ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ કાળનો પંજો ત્રાટકતા લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

ટેમ્પોમાં 25 લોકો સવાર હતા

મળતી માહિતી મુજબ, આ ટેમ્પોમાં અંદાજે 25 જેટલા લોકો સવાર હતા. અચાનક ટેમ્પો પલટી ખાઈ જતાં અંદર બેઠેલા મુસાફરો નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં 5 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. અકસ્માત સર્જાતા જ આસપાસના રહીશો મદદે દોડી આવ્યા હતા અને ટેમ્પો નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

ઇજાગ્રસ્તોને વલસાડ સિવિલ ખસેડાયા

ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. લગ્ન પહેલા જ પરિવારના અનેક સભ્યો હોસ્પિટલ ભેગા થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આ દુર્ઘટનાને પગલે કપરાડા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, ટેમ્પો પલટી મારવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો