વલસાડ શહેરના વ્યસ્ત ગણાતા કૈલાસ રોડ પર આજે એક ભયાનક ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે. પલ્સર બાઈક સવારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બે બાઈક અને એક મોપેડ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મોપેડ ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બે બાઈક અને એક મોપેડ વચ્ચે અકસ્માત

વલસાડના કૈલાસ રોડ પરથી પસાર થઈ રહેલા એક પલ્સર બાઈકના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેફામ ઝડપે જઈ રહેલી આ બાઈકે સામેથી આવતી અન્ય એક બાઈક અને એક મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ત્રણેય વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને વાહનચાલકો રસ્તા પર ફંગોળાયા હતા.

અકસ્માતમાં મોપેડ ચાલક વૃદ્ધને ગંભીર ઇજા

આ ત્રિપલ અકસ્માતમાં મોપેડ ચાલક વૃદ્ધને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતને કારણે કૈલાસ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વલસાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વાહનો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને પલ્સર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો