વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ પણ પડતર માંગણીઓના સમર્થનમાં બુધવારથી રાજ્ય વ્યાપી હડતાળમાં જોડાયા હતા. જેને પગલે જનસેવા કેન્દ્ર ખાતેની તમામ સેવાઓ સહિતની તમામ સેવાઓ ઠપ થઇ જતા, સેંકડો અરજદારો અટવાઈ પડયા હતા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ પડતર માંગણીઓના સમર્થનમાં તબક્કાવાર રાજ્ય વ્યાપી આંદોલનમાં જોડાયા છે. વલસાડ જિલ્લા મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા 105 નાયબ મામલતદાર 28 ક્લાર્ક અને 111 મહેસૂલી તલાટી મળી 244 મહેસૂલી કર્મચારીઓએ ગત તા. 05-10-26ના રોજ માસ સી. એલ પર ઉતરીને માંગણીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓએ બુધવારથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. વલસાડ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા હતા. તેથી જિલ્લામાં આવેલ તમામ જનસેવા કેન્દ્રોમાં જાતિ આવકના દાખલા કાઢવા, અરજદારોના 7/12 સહિતની નકલો કાઢવાં સહિત વૃદ્ધ પેન્સન અને વિધવા સહાય સહિતની સરકારી યોજનાઓની કામગીરી ખોટકાઈ પડી હતી. જિલ્લામાં સસ્તા અનાજની ઓનલાઇન કુપન કાઢવાની અતિ મહત્ત્વની કામગીરી પણ ખોરંભે ચઢી છે.
