વલસાડ : વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલને પાંડે પરિવાર માતા-પિતાની પુણ્યસ્મૃતિમાં લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં રૂ. 21 લાખની જીવનરક્ષક દવાઓ તથા લેબ સાધનો દાન સ્વરૂપે અર્પણ કર્યા હતા. સાંસદ ધવલ પટેલે કહ્યું કે, પાંડે પરિવારે વલસાડને પોતાનું ઘર બનાવી સેવાકીય પ્રવૃતિની શરૂઆત કરી હતી. એમના પિતા સ્વ. કૈલાશનાથ પાંડેએ શરૂ કરેલી આ સેવાયાત્રાને દિવ્યેશ પાંડે અને એમનો પરિવાર આગળ વધારી રહ્યો છે. આજે એમના પરિવાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર માટે રૂ. 21 લાખની દવા અને સાધનોનું વિતરણ કરાયું છે તે ખૂબ મોટી વાત છે. હાલમાં જ મારા એમપી ફંડમાંથી આ હોસ્પિટલ માટે સોલાર આર.ઓ. પ્લાન્ટ ફાળવ્યો છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ સેવા યજ્ઞને બિરદાવ્યો હતો.
