ધરમપમાં સાફ સફાઈ અને નગરજનોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ બનાવવા વલસાડ અને ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ દ્વારા સાંસદ ગ્રાન્ટમાંથી રૂ.53 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે બાદ ધરમપુર પાલિકા ફાયર સ્ટેશન ખાતે રવિવારે રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં સાંસદના હસ્તે બે ટ્રેક્ટર સાથે પાણીના ટેન્કર અને એક ટ્રેક્ટર સાથે ટ્રેલરનું વિધિવત લોકાર્પણ કરાયું હતું.

પ્રાસંગિક ઉદ્બોધન કરતા સાંસદ ધવલ પટેલે કહ્યું હતુ કે, ધરમપુર પાલિકાને સાંસદ ફંડમાંથી રૂ. 53 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આગામી સમયમાં નગર વિકાસ માટે જરૂરિયાત મુજબ વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. સાંસદે આગામી 15 દિવસમાં નગરપાલિકાને અદ્યતન મોક્ષ રથ ઉપલબ્ધ કરાવવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જે બાદ સાંસદ, ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અરવિંદ પટેલે નગરપાલિકાના હોદ્દેદારો સાથે ધરમપુરમાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો તેમજ આગામી આયોજનો અંગે વિગતવાર સમીક્ષા અને ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. લોકાર્પણ પ્રસંગે ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંક મોદી અને તેમની ટીમ, શહેર ભાજપ પ્રમુખ અમિત ચોરેરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત આધુનિક મિની ફાયર ફાઈટરનું પણ મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.