ઉમરગામ તાલુકાના સરીગામના છીપા ફ્ળિયામાં આજે સવારે વીજ કરંટ લાગતાં એક આધેડનું કરુણ મોત નીપજ્યું હતું. પોતાના ખેતરમાં કામકાજ માટે જઈ રહેલા આધેડ વીજ વિભાગના તૂટેલા તારના સંપર્કમાં આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર, રમણભાઈ બોચલ, ઉંમર આશરે 60 વર્ષથી વધુ આજે સવારે લગભગ 8 વાગ્યાના અરસામાં પોતાના ખેતરના પાછળના ભાગે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પડેલા વીજ વિભાગના તૂટેલા તારના સંપર્કમાં આવતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટનાને એક નાની બાળકી નિહાળી રહી હતી. તેણે બચાવો-બચાવોની બૂમો પાડતાં આસપાસના રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તુરંત વીજ વિભાગની કચેરીને જાણ કરી વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો. જોકે, વીજ કરંટ લાગવાના કારણે રમણભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. વીજ વિભાગના તૂટેલા તારને કારણે બનેલી આ ઘટના સામે સલામતી અને સમયસરની જાળવણી અંગે પણ સવાલો ઊભા થયા છે. આ મામલે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો