ધરમપુરના નાની કોસબાડી અને મોટી કોસબાડી ગામને જોડતો ચેકડેમ કમ કોઝવે સામાન્ય વરસાદમાં પણ ડૂબાણમાં જાય છે. જિલ્લામાં ત્રણ દિવસના મેઘતાંડવ દરમિયાન કોઝવે ડૂબાણમાં ગયા બાદ રવિવારે 7મા દિવસે પણ કોઝવે ડૂબાણમાં રહેતાં બંને ગામો વચ્ચેનો સંપર્ક ખોટકાયો હતો. બંને ગામોના પશુપાલકો દૂધનો જથ્થો ડેરી સુધી પહોંચાડી શકતા ન હોવાથી પશુપાલકોએ ભારે આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી રહી છે.

નાની કોસબાડી અને મોટી કોસબાડી ગામ વચ્ચે વહેતી નાર નદી પર બનાવાયેલા કોઝવે પર સામાન્ય વરસાદમાં પણ પાણી ફરી વળતાં બંને ગામોનો સંપર્ક તૂટી જાય છે. હાલ સતત વરસાદને કારણે કોઝ-વે પર ધસમસતું પાણી વહેતું હોવાથી ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. નાની કોસબાડી સુધી વાહનો પહોંચી શકતા ન હોવાથી પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો દૂધ બગડી ન જાય તે માટે નદીના બીજા કાંઠે મોટી કોસબાડી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં દૂધનો જથ્થો વાહન સુધી પહોંચાડવાની નોબત આવી રહી છે. છેલ્લા એક સપ્તાહથી કોઝવે ડૂબાણમાં જતાં પશુપાલકો દ્વારા એકત્ર કરવામાં આવેલા દૂધના જથ્થાનું વેચાણ અટકી જતાં તેમને આર્થિક નુકસાની થઈ રહી છે.

ચોમાસા દરમિયાન દર વર્ષે સર્જાતી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગ્રામજનોએ તમામ કક્ષાએ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અવારનવાર રજૂઆત કરી હતી. જે બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતાં બંને ગામોના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે.

નાની કોસબાડી ગામના સરપંચ પ્રકાશભાઈ પવારે નાર નદીના કોઝવે પર પાણી ફરી વળતાં ગામ સંપર્કવિહોણું બની ગયું હોવાનું જણાવ્યું છે. દૂધ વાહન ગામ સુધી પહોંચી શકતું ન હોવાથી પશુપાલકો દૂધનો જથ્થો બાઈક પર પોંઢા જંગલના માર્ગેથી લાંબો ચકરાવો લઈ ધરમપુર સુધી પહોંચાડી રહ્યા છે. ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો થતો હોવાથી આરોગ્યની સેવા લેવી પણ મુશ્કેલ બનતી હોય છે, જેથી તંત્ર દ્વારા વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી કેફ્યિત રજૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો