ભીલાડ નેશનલ હાઇવે નંબર 48થી ભીલાડ બજાર થઈ સરીગામ બાયપાસ ત્રણ રસ્તા, જીઆઈડીસી નારગોલ ચાર રસ્તા, માંડા-સરઈ ચાર રસ્તા થઈ મરોલી ગામ સુધીનો મુખ્ય માર્ગ અત્યંત જર્જરિત અને ખાડાયુક્ત બન્યો છે. ચોમાસા બાદ માર્ગની બંને બાજુ ધૂળ-માટીના થર જામી જતાં વાહનચાલકો, રાહદારીઓ, વિદ્યાર્થીઓ, કામદારો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.માર્ગ પરથી વાહનો પસાર થતાં ઉડતી ધૂળની ડમરીઓના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ્ પડી રહી છે અને આરોગ્ય પર પણ માઠી અસર થઈ રહી છે. માર્ગની આસપાસ આવેલી દુકાનોમાં ધૂળ જમા થવાથી વેપારીઓના માલસામાન અને ખાદ્યસામગ્રીને નુકસાન થઈ રહ્યું છે.દિવાળી, છઠપૂજા અને જલારામ જયંતિ જેવા તહેવારો નજીક આવી રહ્યા હોવાથી માર્ગ પર વાહનવ્યવહાર વધવાની શક્યતા છે. ત્યારે માર્ગની તાત્કાલિક સાફ્સફાઈ કરાવી પાણીનો છંટકાવ કરવા તેમજ ખાડાઓ પૂરી ડામરના પેચવર્ક દ્વારા માર્ગની મરામત કરવા ચૂંટાયેલા નેતાઓ અને જાગૃત નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગ, વાપી પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં ઉપસરપંચ ગ્રામ પંચાયત સરીગામ, જિલ્લા પંચાયત વલસાડના સભ્ય નુતન ભંડારી, તાલુકા પંચાયત ઉમરગામના વિરોધ પક્ષનાનેતા રાકેશ કે. રાય સહિતના પ્રતિનિધિઓએ માર્ગની હાલતમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરી છે.રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જનહિતને ધ્યાનમાં રાખીને માર્ગની મરામત અને સફાઈને પ્રાથમિકતા આપવામાં આવે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો