વલસાડના રવિવારીય હાટ બજારમાં રવિવારે સેંકડો લોકો ખરીદી કરવા ઉમટી પડતા ભીડના ભારે દ્રશ્યો સર્જાયા હતા. જનમેદની અને લારી અને પાથરણા ધારકોએ જાહેર રોડ પર કબજો કરી લેતા, સ્ટેડિયમ રોડ અને લિંક રોડ પર સર્જાયેલા ટ્રાફ્કિજામને પગલે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. દિવાળી પર્વને અનુલક્ષીને વલસાડ પાલિકા તંત્ર અને સિટી પોલીસ દ્વારા વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે તેવું આયોજન કરે તેવી માંગણી નગરજનોમાં ઉઠી છે. વલસાડના સ્ટેડિયમ રોડ, લિંક રોડ, પાલિકા સંચાલિત મહાત્મા ગાંધી લાયબ્રેરી, એસ. ટી. ડેપો સામેના રંગ ઉપવન શોપિંગ સેન્ટર અને આઝાદ ચોક પાસે રવિવારીય હાટ બજાર ભરાઈ છે. રવિવારે હાટ બજારમાં ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ઉપરોક્ત તમામ સ્થળોએ આવેલી દુકાનો પાસે ખાટલા ધારકો સહિતના પાથરણા ધારકો ઉપરાંત લારીઓ ઉપર ફ્ટાકડાનું વેચાણ કરતા અંદાજિત 100 લારી ધારકોએ જાહેર રોડ પર કબજો જમાવી દેતા સ્ટેડિયમ રોડ અને લિંક રોડ પાસે ટ્રાફ્કિજામ થઈ જતાં વાહનચાલકોએ ભારે અગવડતા વેઠવાની નોબત આવી હતી. હવે આગામી રવિવારે હાટ બજારમાં ભારે અરાજકતા સર્જાય તેવી શક્યતા છે. દિવાળી પર્વના કારણે શહેરમાં આમ પણ ભારે ભીડ રહે છે અને શહેરમાં ઠેર ઠેર ટ્રાફ્કિ સમસ્યા વધુ વિકટ બને છે. તેથી વલસાડ પાલિકા અને સિટી પોલીસ દ્વારા દિવાળી પર્વની ખરીદી કરવા માટે આવતી જનમેદનીને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના નિયમન માટે આયોજન કરાય તેવી માંગ વાહનચાલકોમાંથી ઉઠી છે.
