નાનાપોંઢા વાપી રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રકના ચાલકે ધરમપુરની મોપેડને અડફેટે લીધા બાદ ટ્રકમાં ભેરવાઈ પડેલી મોપેડને 300 ફૂટ ઘસડી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોપેડચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ધરમપુર તાલુકાના બોપી ખામદહાડ સામના ઝોડાર ફળિયા નિવાસી મયૂરભાઈ મશજીભાઈ રાઉત સેલવાસ સ્થિત વેસ્ટન કંપનીમાં 7 માસથી જ મજૂરી કામ કરતા હતા. શનિવારે સાંજે મયૂર મોપેડ (નંબર જીજે 15 બીઆર 0959) લઈને નાનાપોંઢા વાપી રોડ પરથી પસાર થઈ રહેલી ટ્રક (નંબર ટીએન 28 બીકે 4329)ના ચાલકે મયૂરભાઈના મોપેડને ટક્કર મારી હતી. આ સાથે જ ટ્રકમાં ભેરવાઈ પડેલી મોપેડ રોડ ઉપર આશરે 300 ફૂટ ઘસડાઈ હતી. આ અકસ્માતમાં મોપેડચાલક મયૂરને ગંભીર ઇજા થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
