બનાવટી ઇન્વેસ્ટમેન્ટ કંપની ઊભી કરી શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરીને સાયબર ફ્રોડ આચરતી ગેંગ દ્વારા વલસાડની એક મહિલાને શેરની લે-વેચ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને રૂા. 1.46 કરોડથી વધુની ઠગાઇ કરાઈ હતી. આ ગુનામાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે બનાસકાંઠા જિલ્લાના વધુ બે આરોપીને ઝડપી પાડવામાં સફ્ળતા મેળવી છે.
સાયબર ઠગભગતોએ બી125-વેલ્ધી વિઝન વીઆઇપી સર્કલ તથા 460-વેલ્ધી વિઝન વીઆઇપી સર્કલ નામના વોટ્સએપ ગ્રુપના ગ્રુપ એડમીન બનીને વલસાડમાં રહેતી એક મહિલાને શેર માર્કેટમાં ઇન્સ્ટીટયુશનલ ટ્રેડીંગ મારફ્તે બલ્કમાં શેરની લે-વેચ કરી વધુ નફો મેળવવાની ખોટી લાલચ આપી હતી. જે બાદ મહિલાને વેલ્ધીઇન બ્રોકીંગ પ્રા.લી. નામની કંપનીની ખોટી ઓળખ ઊભી કરી મહિલાના બેંક એકાઉન્ટમાં રૂા. 1,46,75,000 ટ્રાન્સફર કરાવી લઇ એપ્લીકેશનમાં ખોટો પ્રોફીટ બતાવવામાં આવ્યો હતો. જે નફાની રકમ ઉપાડવા જતા ઠગોએ તે મહિલાને નફાની રકમ પર 15 ટકા કમિશન પેટે વધુ રકમની માંગણી કરી એ કમિશનના રૂપિયા મહિલાના બેલેન્સમાંથી બાદ કરવાનું કહ્યું હતું. જો કે, આ સમયે મહિલાને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની સમજ આવી હતી. તેથી તેણીએ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ કરીને મેળવેલા નાણાં જે બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતાં એ ખાતાધારકની તપાસ હાથ ધરતા આરોપી નરેન્દ્ર મહેશ માળી પકડાઈ ગયો હતો. તેની પૂછપરછમાં, તેણે મેળવેલા સાયબર ફ્રોડના રૂપિયા બેંકમાંથી ઉપાડીને ભાર્ગવ નરેશ સોલંકી, ટીંકેશ શંકરલાલ પઢિયાર અને મેહુલ મહેન્દ્ર કચ્છવા (ત્રણેય રહે. માલગઢ ડીસા)ને આપ્યા હોવાનું કબુલાત કરી હતી. જે હકીકતને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને શોધવા ડીસા તેમજ રાજસ્થાન જઇ વારંવાર આંટાફેરા માર્યા હતાં. પરંતુ તેઓ મળી આવ્યા નહતાં. ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીના બેંક ખાતા, મોબાઇલ ફોનની વિગતો, સગા-સંબંધીઓના મોબાઇલ ફોનની માહિતી, સોશિયલ મીડિયા એનાલીસીસ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ કરતાં પી.એસ.આઇ. ડી.એસ. પટેલને માહિતી મળી હતી કે, આ આરોપીઓ પૈકી ભાર્ગવ સોલંકી અને મેહુલ કચ્છવા રાજસ્થાન અને માલગઢ ખાતે ઘણી વખત દેખાયો છે. જેથી સ્થાનિક બાતમીદારો એક્ટિવ કરતા, બંને આરોપીઓ ભાદરવા બીજ મનાવવા માટે માલગઢ ખાતે પોતાના ઘરે આવનાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે પોલીસે તા. 12-09-26ના રોજ માલગઢ પહોંચી બંને આરોપીઓને પકડી પાડયા હતાં. પોલીસની તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, પકડાયેલો આરોપી મેહુલ મહેન્દ્ર કચ્છવાના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા. 18.70 લાખ આવ્યા હતાં.
