16

વલસાડના કાંજણ રણછોડ ગામે આજરોજ મળેલી ખાસ ગ્રામ સભામાં ઉપસ્થિત ગ્રામજનોએ ગત ગ્રામસભામાં પસાર થયેલ ઠરાવોનો અમલ કરવા બાબતે સવાલો ઉઠાવ્યા હતા અને ગત ગ્રામસભાના ઠરાવો બદલી કાઢવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ગ્રામજનોએ ગ્રામ સભા દ્વારા કરવામાં આવેલ વિવિધ કામો બાબતે ખુલાસો કરવાનું જણાવતા મામલો ઉગ્ર બન્યો હતો.

કાંજણરણછોડમાં શુક્રવારે ખાસ સામાન્ય સભા સરપંચ પ્રજીતાબેન સુનિલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ મહિલા તલાટી કમ મંત્રી કેનન પટેલની અને તા.પં.ના નોડલ ઓફ્સિર અને ગ્રામજનોની હાજરીમાં મળી હતી. સામાન્ય સભાની શરૂઆતમાં ઉપસ્થિત ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ગત સામાન્ય સભામાં પસાર કરવામાં આવેલા ઠરાવોના સ્થાને અન્ય ઠરાવો ઠરાવ બુકમાં લખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તલાટી કમ મંત્રીએ ઠરાવોનું વાંચન કરી ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો રદિયો આપ્યો હતો. ગ્રામજનો ગ્રામ પંચાયત દ્વારા ભીના અને સૂકા કચરાના નિકાલ માટે ગામમાં આવેલા સ્મશાન નજીક આવેલ જગ્યા ફાળવવા બાબતે રજૂઆત કરતા, સરપંચ અને તલાટી કમ મંત્રીએ હાલે આ બાબતનો છેવટનો નિર્ણય નહિ લેવામાં આવ્યો હોવાનું જણાવી ગ્રામજનોને કોઈક જગ્યા બાબતે સૂચન કરવાની રજૂઆત કરી હતી. ગ્રામજનોએ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામો સામે ઉગ્ર રજૂઆત કરતા મામલો ગરમાયો હતો. સભામાં ઉપસ્થિત સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોએ ગ્રામજનોને તેમને જે કઈ પણ રજૂઆત હોય તે રજૂઆત મુજબના કામો ગત ગ્રામસભામાં પસાર કરવામાં આવેલા ઠરાવો મુજબ મળેલી ગ્રાન્ટ અને ગ્રામ સભામાં કરેલા નિર્ણય મુજબ કરવામાં આવશે તેવી ખાતરી આપતા ઉગ્ર રજૂઆત કરી રહેલા ગ્રામજનોનો રોષ ઠંડો પડયો હતો. સભા દરમિયાન સરપંચ પ્રજીતાબેન પટેલે ગ્રામજનોની જે કઈ પણ રજૂઆત કે પ્રશ્ન હોય તે તમામ પ્રશ્નો અને રજૂઆતની એક અલાયદી નોંધ કરી તે કામો આયોજનમાં લઈને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જે બાદ સરપંચઅને તલાટી કમ મંત્રીએ સભાની કામગીરી બાદ ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં અલગથી નોંધ કરી હતી. ગ્રામજનોએ પશ્ચિમ વણઝાર ફ્ળિયામાં શૌચાલય બનાવવા, ગામના મંદિરના પેરીફેરી વિસ્તારમાં પેવર બ્લોક બેસાડવા, ગામના સ્મશાન પાસે આવેલ નદીના ઓવારા પાસે તાત્કાલિક પુરાણ કરવા, રસ્તા તથા અન્ય વિકાસના કામો અંગે રજૂઆત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો