નાનાપોંઢાના ઓઝરડા ગામના બે ફળીયાના રહીશો માટે અત્યંત ઉપયોગી કૂવાનું પાણી તળિયે બેસી જતાં, ફળીયાના રહીશોએ પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી રહી છે. હયાત કૂવામાં માંડ ભેગું થતું હોવાથી બંને ફળીયાના રહીશો ડહોળું પાણી પીવા મજબૂર બન્યા છે.


નાનાપોંઢાના ઓઝરડા ગામના તાડપાડા ફળીયા અને બોરીચમાળ ફળીયામાં પીવાના પાણીની સમસ્યા અત્યંત વિકટ બની ગઈ છે. ફળીયામાં આવેલા કૂવાનું જળસ્તર તળિયે બેસી જતાં, પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે. આ બંને ફળીયાના ૧૨૦થી વધુ રહેવાસીઓ કૂવામાં માંડ-માંડ એકત્ર થતું ગંદુ પ્રદૂષિત પાણી પીને તરસ છીપાવવા મજબૂર બન્યા છે. કૂવામાંથી માંડ આવતું પાણી અબોલ જીવો પણ પી શકે તેમ નથી. પીવાના પાણીની વિકટ સમસ્યાથી પીડાતા રહીશો પ્રદૂષિત પાણી પી રહ્યા હોવાથી તેમના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો છે. સામાન્ય રીતે જિલ્લામાં ૧૫ જૂનથી ચોમાસાનો પ્રારંભ થઇ જાય છે. ચાલુ વર્ષે ચોમાસું પાછળ ખેંચાય તેવી શક્યતાને પગલે, બંને ફળીયાના રહીશોની હાલત વધુ કફેડી બને તેવી શક્યતાને લઈને ગામના રહીશોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકાના હજારો નાગરિકો માટે બનાવવામાં આવેલી અને મૂળ રૂ. ૫૮૬ કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માત્ર કાગળ પર સફ્ળ રહી હોવા બાબતનો, વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સરકારની મોટાભાગની પાણીની યોજનાઓ માત્ર કાગળ ઉપર જ સફ્ળ હોવાની લાગણી પીવાના પાણીની વિકટ સમસ્યાથી ત્રસ્ત ગામના રહીશોએ વ્યક્ત કરી છે. પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ગામના રહીશોએ સ્થાનિક તંત્રને છાશવારે ફરીયાદ કરી છે, તેમ છતાં સ્થાનિક સ્તરના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની નિરસતાથી રહીશોમાં ભારે નારાજગી જોવા મળી છે. ઓઝરડા ગામના રહીશો સ્વચ્છ પેયજળ માટે ટળવળી રહ્યા છે, તેવા સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા ગામના બંને ફળીયાના રહીશોને પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ બનાવવા, તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગણી પીવાના પાણીની વિકટ સમસ્યાથી ત્રસ્ત ગ્રામજનોએ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: