વંથલી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત વીજ ધાંધિયા અને અનિયમિત વીજ પુરવઠાથી પરેશાન બનેલા નાગરિકો, આગેવાનો તેમજ નગરપાલિકાના પ્રતિનિધિઓએ PGVCL કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.


ચોમાસાની શરૂઆત પહેલાં જ રાત્રિના સમયે અવારનવાર જ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.આ મુદ્દે વંથલી નગરપાલિકાના પ્રમુખ રાકેશ ત્રાંબડિયા, પાલિકાના સદસ્યો અને સ્થાનિક આગેવાનો PGVCL કચેરીએ પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સમક્ષ વારંવાર સર્જાતી વીજ સમસ્યાઓ અંગે કડક રજૂઆત કરી હતી. પ્રમુખે વીજ વિભાગના અધિકારીઓના વર્તન અને કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કરી જવાબદારી નિભાવવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને તેમણે GEB હાય હાયના નારા લગાવી પોતાના રોષની અભિવ્યક્તિ કરી હતી.

વિરોધના ભાગરૂપે આગેવાનોએ PGVCL કચેરીનીલાઇટ બંધ કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકોએ ચેતવણી આપી હતી કે જો વીજ પુરવઠાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.PGVCLના અધિકારીઓએ રજૂઆત સાંભળી યોગ્ય કરવાની ખાત્રી આપી છે. વંથલી શહેરના ભાણાવાવ ચોક, આઝાદ ચોક અને રબારી વિસ્તાર ખાતે રાત્રે વીજ પુરવઠો ખોરવાતા હજારો લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા હતા. ફરિયાદ છતાં GEBની ટીમ મોડીરાત્રે પહોંચી અને ટ્રાન્સફોર્મર બળી ગયાનું સામે આવ્યું. ત્યારબાદ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ અને JCBની મદદથી નવું ટ્રાન્સફોર્મર સ્થાપિત કરીને વીજ પુરવઠો પુનઃ શરૂ કરાવવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: