સંઘપ્રદેશ દમણ દરિયાકાંઠે આવેલું શહેર છે. એક તરફ્ અરબી સમુદ્ર અને બીજી તરફ્ દમણગંગા નદીનું વહેણ હોવા છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ઉનાળામાં પણ દમણના ખારીવાડ વિસ્તારમાં રહેવાસીઓને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામને કરવો પડી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ખારીવાડ વિસ્તારના અનેક એપાર્ટમેન્ટ અને રહેણાંક સોસાયટીઓમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી. પરિણામે લોકોને રોજિંદી જરૂરિયાત માટે પણ પાણીની તંગીનો સામને કરવો પડી રહ્યો છે. ઉનાળાની ગરમીમાં પાણીની માંગ વધતાં સમસ્યા વધુ ગંભીર બની છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે પાણીના અભાવે રહેવાસીઓ પરેશાન બની રહ્યા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, દમણગંગા નદીનું પાણી ઔદ્યોગિક પ્રદૂષણના કારણે પીવાલાયક રહ્યું નથી. વાપી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી વિવિધ પ્રકારના રસાયણયુક્ત પાણી નદીમાં ભળતા હોવાના આક્ષેપો છે. બીજી તરફ્ દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી જમીનમાં ખારાશનું પ્રમાણ પણ વધુ છે. પરિણામે ભૂગર્ભ જળમાં પણ ખારું પાણી મળતું હોવાથી પીવાના પાણીના સ્ત્ર્રોત મર્યાદિત બની ગયા છે. ખારીવાડ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે, દર વર્ષે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા ઊભી થાય છે, પરંતુ આ વખતે સ્થિતિ વધુ ગંભીર બની છે. અનેક બિલ્ડિંગોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી રહેવાસીઓને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરના કામકાજ, પીવાનું પાણી, બાળકો અને વૃદ્ધોની જરૂરિયાતો માટે લોકો સતત ચિંતિત રહે છે.










