વાપી સ્થિત જનસેવા હોસ્પિટલમાં અંદરના પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહેતી હોવાનું જોવા મળે છે, પરંતુ હોસ્પિટલ પરિસરમાં અથવા તેની નજીક આવેલા મેડિકલ સ્ટોર્સની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દર્દીઓ કે તેમના પરિજનો જ્યારે દવા લેવા માટે મેડિકલ સ્ટોર પર જાય છે, ત્યારે તેમને સ્ટોરની આસપાસ કચરો અને ગંદકીના ઢગલામાંથી પસાર થવું પડે છે. સ્થાનિક લોકો અને દર્દીઓના સગાંઓનો આક્ષેપ છે કે મેડિકલ સ્ટોરના સંચાલકો માત્ર રૂપિયા કમાવામાં જ રસ ધરાવે છે. પોતાની દુકાનની બહાર ફેલાયેલી ગંદકી તરફ સહેજ પણ ધ્યાન આપતા નથી. એક તરફ દર્દીઓ સાજા થવા માટે દવા ખરીદવા આવે છે અને બીજી તરફ મેડિકલ સ્ટોર આસપાસની ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે વધુ માંદગીમાં લોકો ફસાય તેવી સ્થિતિ છે.
