દાદરા અને નગર હવેલીના ફ્લાન્ડી-પારડીપાડા વિસ્તારમાં આવેલી નંદન પેટ્રોકેમિકલ પ્રા. લિમિટેડ કંપની વિરુદ્ધ સરકારી જમીન દબાવવાનો અને જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધકામ કરાયાના આક્ષેપ સાથે કલેકટરને લેખિત ફરિયાદ થઈ છે.

ફ્લાન્ડી (લીંબારપાડા)ના રહીશ ઘેડુભાઈ જીવલુભાઈ દાધવે કલેકટરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કંપની દ્વારા રસ્તાની બાઉન્ડ્રીમાં દીવાલ અને શેડ બનાવી દેવાયો છે. ઉપરાંત મંજૂરી લીધા વિના, ફ્લાન્ડી મુખ્ય માર્ગથી પારડીપાડા જવા માટેના વિલેજ રોડની સીમા (બાઉન્ડ્રી)માં આવેલી સરકારી જમીન પર અતિક્રમણ કર્યું છે. કંપનીએ ત્યાં પાકી કમ્પાઉન્ડ વોલ અને મોટા-મોટા શેડ ઊભા કરી દીધા છે.

ફરિયાદકર્તાએ વધુમાં જણાવ્યું છે કે રસ્તાની જમીન પર કબજો થવાના કારણે અને કંપનીના મોટા વાહનો તેમજ ભારે ટ્રકો ગમે તેમ રસ્તા પર પાર્ક કરી દેવાય છે. તેથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. કટોકટીના સમયે ઇમરજન્સી વાહનોને પસાર થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.

રજૂઆતમાં મહેસૂલ (રેવન્યુ) અને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જમીનની માપણી કરવામાં આવે અને કંપની દ્વારા બનાવવામાં આવેલા શેડ અને અન્ય બાંધકામોની કાયદેસરની મંજૂરીઓની ઝીણવટભરી તપાસ થાય તેવી માંગ કરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો