અમૃતસર ખાતે થયેલા મેડ સંધુ હત્યા કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે વાપીથી ઝડપી પાડયા હતા. અમૃતસરમાં લોહારકા રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટર નજીક 3 ઓક્ટોબર, 2026ના રોજ મધુસુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરીને હત્યા કરી હતી. આ બનાવ અંગે અમૃતસર શહેરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હત્યા કેસના આરોપીઓ ગુજરાતના વાપી વિસ્તારમાં હોવાની માહિતી પંજાબ પોલીસની સીઆઈએ શાખાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ગુજરાત એટીએસને બાતમી આપી હતી. જે બાદ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને પોલીસ વહીવટી ઇન્સ્પેક્ટર કૃપેશ પટેલ દ્વારા બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હત્યા કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓ વલસાડ જિલ્લાના વાપી ખાતે હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ વલસાડ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને વાપી ખાતેથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં હરવિમરનજીત સિંહ ઉર્ફે સિમુસિંઘા, ફ્તેહ સિંહ દિલબાગ સિંહ અને અરમાન સિંહ સતનામ સિંહનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ પંજાબના તરનતારન જિલ્લાના સદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સૂંઢ ગામના મૂળ રહેવાસી છે. એટીએસની ટીમે ત્રણેય આરોપીની વિગતવાર પૂછપરછ હાથ ધરી હતી.
