સંઘપ્રદેશ દમણમાં દારૂનું ગેરકાયદે વેચાણ અને હેરાફેરી રોકવા પોલીસે મોડે મોડે કામગીરી હાથ ધરી હતી. જેમાં ભીમપોર સ્થિત કમલા વાઇન શોપ પર પોલીસે દરોડો પાડીને ગેરકાયદે રાખવામાં આવેલા દારૂની 500થી વધુ પેટી ઝડપી પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 10થી વધુ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે કમલા વાઇન શોપ પર અચાનક દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન મોટા પાયે દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સમસ્ત માલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આ જથ્થો દમણ એક્સાઇઝ (આબકારી) વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે. દમણમાં દારૂના ગેરકાયદે વેચાણ, સંગ્રહ અને સપ્લાય પર નજર રાખવાની મુખ્ય જવાબદારી આબકારી વિભાગની છે. જોકે, પોલીસ દ્વારા સતત લાખો રૂપિયાનો ગેરકાયદે દારૂ પકડવામાં આવી રહ્યો છે, ત્યારે સ્થાનિક સ્તરે એક્સાઇઝ વિભાગની નિષ્ક્રિયતા હાલ ચર્ચામાં છે. જો પોલીસ જ સતત ગેરકાયદે અડ્ડાઓ અને વાઇન શોપ પર કાર્યવાહી કરતી હોય તો એક્સાઇઝ વિભાગની ઉદાસીનતાનું કારણ શું હોય, તેવો સવાલ પણ લોકોમાંથી ઉઠી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો