વાપી : વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પારડી તાલુકામાં આવેલી જ્યોતિ પ્લાસ્ટિક કંપની ખાતે કંપનીના કર્મચારીઓ માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કંપનીમાં આંતરિક સમિતિની રચના, તેની જવાબદારીઓ અને કામગીરી તેમજ મહિલાઓને કાર્યસ્થળે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવા અંગે સમજ આપવામાં આવી હતી. ભારત સરકારના એસએચઇ -બોક્ષ પોર્ટલ અંગે માહિતી આપતાં 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં આંતરિક સમિતિની રચના કરી તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડીએચઇડબલ્યુનાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ જિગ્નિશા પટેલે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી. 'સખી' વન સ્ટોપ સેન્ટર, વલસાડનાં કેસ વર્કર પ્રિયાબેન દ્વારા સેન્ટરની કામગીરી તથા મહિલાઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સહાય અંગે જાણકારી આપવામાં આવી હતી. કાઉન્સેલર નેહાબેન પટેલ દ્વારા કેન્દ્રની કામગીરી અને મહિલાઓને મળતા કાઉન્સેલિંગ તથા સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
