ભારતના ઉપરાષ્ટ્રપતિએ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની મુલાકાત દરમિયાન એક ભવ્ય કાર્યક્રમને સંબોધિત કરતા આ પ્રદેશને મિની ઇન્ડિયા ગણાવ્યો હતો. દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણ સંઘપ્રદેશના દમણ અને સેલવાસની વિશેષ મુલાકાતે પધાર્યા હતા. દરમિયાન તેમણે પ્રદેશમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ વ્યવસ્થા, પર્યટન અને પરિવહન યોજનાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. સૌપ્રથમ દમણના નવનિર્મિત નમો એરપોર્ટ પર આગમન સમયે ઉપરાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપી આવકારવામાં આવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ તરીકેનો પોતાનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે તેમણે જણાવ્યું કે, આ મુલાકાત સાથે દેશના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને પોતાના અંતર્ગત આવતી ત્રણેય યુનિવર્સિટીઓની તેમની યાત્રા પૂર્ણ થઈ છે. ત્રણ મહાન નેતાઓનું સ્મરણ સંબોધનની શરૂઆતમાં તેમણે ભારતના નિર્માણમાં ત્રણ વ્યક્તિત્વોના મહત્વને રેખાંકિત કર્યું હતુ. જેમાં મહાત્મા ગાંધીનેઅહિંસાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલને કતા અને અખંડ ભારતના શિલ્પી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકાસના પ્રતીક ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે આ નેતૃત્વના કારણે જ સમગ્ર દેશ આજે ગર્વથી કહી શકે છે કે 'બધું મજામાં છે'.
આ તકે મંચ પર ઉપસ્થિત સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવર તથા પાલિકા પ્રમુખ સોમનાથ ઢેગરેની ઉપસ્થિતિમાં તેમણે જણાવ્યું કે, સરકારની મદદ જરૂરી છે પરંતુ સાચો વિકાસ નાગરિકોની મહેનત અને ભાગીદારી વિના શક્ય નથી. આ પ્રદેશમાં વહીવટી તંત્ર અને જનતા બંને સાથે મળીને વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. નિયુક્તિ પત્રો વિતરણ પ્રસંગનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, અહીં ગાંધીનગર, દમણ, હરિયાણા અને નવી દિલ્હી જેવા દેશના વિવિધ ભાગોમાંથી આવેલા લોકોને તકો મળી રહી છે. આ પ્રદેશની સાંસ્કૃતિક વિવિધતા, પરંપરા અને કુદરતી સૌંદર્ય 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનના પ્રદેશ આગમન નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસન દ્વારા સેલવાસ સ્થિત ડૉ. એપીજે અબ્દુલ કલામ કૉલેજના ઑડિટોરિયમ ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત સ્વાગત અને દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે સ્વાગત પ્રવચન આપતા ઉપરાષ્ટ્રપતિજીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. તેમણે છેલ્લા 10 વર્ષોમાં સંઘપ્રદેશમાં થયેલી અભૂતપૂર્વ વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની રૂપરેખા રજૂ કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો