વાપી : રવિવારે દાદરા અને નગર હવેલીએ પોતાની આઝાદી અને મુક્તિના 72 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ ઐતિહાસિક અને ગૌરવવંતા દિવસે કલેક્ટર પ્રિયંક કિશોરે ધ્વજવંદન કરી નમો મેડિકલ કોલેજ અને શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓ રજૂ કરી હતી. સેલવાસમાં યોજાયેલા કાર્યક્રમમમાં સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત અધ્યક્ષા નિશા ભાવર, નગરપાલિકા પ્રમુખ સોમનાથ દેવરે સહિત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, અધિકારીગણ, માજી સાંસદો, રાજકીય પક્ષોના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુક્તિ દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં સાંસદના સંબોધનની વર્ષો જૂની ગૌરવવંતી પરંપરા ચાલી આવતી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લાં 5-6 વર્ષથી સાંસદને આ કાર્યક્રમમાં પ્રજાજોગ સંદેશો આપવાનો અવસર મળી રહયો નથી. મુક્તિ દિવસે સાંસદને પ્રવચનની તક મળતી ન હોવાથી લોકોની હાજરી પાંખી રહ્યાનો ગણગણાટ આજે ઉઠયો હતો. કાર્યક્રમમાં સાંસદ ઉપસ્થિત હોવા છતાં તેમને મહત્ત્વ અપાતું ન હોવાથી હવો જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખોને પણ માત્ર ઔપચારિકતા માટે આમંત્રણ મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
