ભારતીય આદિવાસી ધોડિયા સમાજ ઉત્કર્ષ સંગઠન (દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ)ની મહત્ત્વપૂર્ણ બેઠક સેલવાસના બાવીસા ફળિયાના બરમદેવ મંદિર પરિસરમાં યોજાઈ હતી. પ્રમુખ અશ્વિન એચ. પટેલની આગેવાનીમાં યોજાયેલી બેઠકનું અધ્યક્ષસ્થાન દિલીપભાઈ નગીનભાઈ પટેલે સંભાળ્યું હતું. આ પ્રસંગે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર સુમનભાઈ ટી. પટેલ સહિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત બરમદેવની પૂજા-અર્ચના અને આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સંગઠનના પૂર્વ સંરક્ષક સ્વ. હીરાભાઈ પટેલને શ્રાદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. બેઠકમાં સમાજના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા અને આગામી વર્ર્ષના વિકાસલક્ષી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સમાજના યુવાઓ માટે રોજગારલક્ષી તાલીમ અને વ્યાવસાયિક તકો ઊભી કરવા, બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ સમાજનું સામાજિક, શૈક્ષણિક અને રોજગારલક્ષી સર્વેક્ષણ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુવા પેઢીને સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા યુવા સમિતિ અને મહિલા સેલની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. મહિલાઓ માટે સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો યોજવા, સમાજના મહિલાઓ, પુરુષો અને વડીલો માટે કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓના જતન માટે વિશેષ લાઇબ્રેરી સ્થાપવાની યોજના પણ રજૂ કરવામાં આવી હતી. દિવાળી દરમિયાન કંસેરી માતા, વાઘ બારસ, બરમદેવ અને પ્રકૃતિ પૂજા જેવા પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારીનો પણ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં સંગઠનના નવા સંરક્ષકો તરીકે સુમનભાઈ ટી. પટેલ, અશ્વિનભાઈ બી. પટેલ, પ્રભુભાઈ જે. પટેલ અને અમૃતભાઈ કે. પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સંગઠનના પ્રમુખ અશ્વિન એચ. પટેલે જણાવ્યું હતું કે ધોડિયા સમાજના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે. બેઠકમાં રજૂ કરાયેલા વિવિધ વિકાસલક્ષી પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. અંતમાં સંગઠનના મહામંત્રી ઉત્તમભાઈ પટેલે ઉપસ્થિત આગેવાનો, હોદ્દેદારો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
