વાપીના નામધા ખાતે આવેલા અનાવિલ સમાજના હોલમાં એકતા દિવસ નિમિત્તે દિવાળી અનાવિલ સ્નેહ મિલન અને રાસ-ગરબાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે વાપી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર મનીષભાઈ દેસાઈ તેમજ વાપી શહેર ભાજપ પ્રમુખ અને અનાવિલ યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વાપી મહાનગરપાલિકામાં ચૂંટાયેલા અનાવિલ સમાજના તમામ કોર્પોરેટરોને નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તેમને શાલ ઓઢાડીને અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મનપા ડેપ્યુટી મેયર મિતેષ દેસાઈ, વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર દર્પણભાઈ વિનોદભાઈ દેસાઈ, કોર્પોરેટર દેવલબેન દેસાઈ, કોર્પોરેટર ચાર્મીબેન વસી, કોર્પોરેટર નેહલ બેન દેસાઈ, મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વી.આઈ.એ. ના પ્રમુખ સતીશ પટેલનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અનાવિલ સમાજના યુવાનોની એકતા સમાજના સંગઠનને મજબૂત મનોબળ પૂરું પાડે છે. તેમણે સૂચન કર્યું હતું કે એકતા દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને આગામી વર્ષથી દિવાળી સ્નેહ મિલન અને રાસ-ગરબાનું આયોજન 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના રોજ જ કરવામાં આવે. નાણા મંત્રીના આ સૂચનને અનાવિલ યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈએ આવકાર્યું હતું. સાથે સાથે આગામી તારીખ 6 ફેબ્રુઆરી 2028ના રોજ સમૂહ જનોઈનું આયોજન પણ કરવા આવનાર છે અને 51 બટુકને સમૂહ જનોઈ આપવા માટેનું આયોજન થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક અનાવિલ સમાજના શ્રોષ્ઠીઓ અને અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને સમાજની એકતા, ભાઈચારો તથા સંગઠનભાવના જળવાઈ રહે તે માટે સૌને સાથે મળીને કાર્ય કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે અનાવિલ સમાજ દ્વારા આગામી સમયમાં સમૂહ જનોઈ કાર્યક્રમ યોજવા જાહેરાત થઈ હતી. જે બાદ સમાજબંધુઓએ રાસ-ગરબાની રમઝટ જમાવી એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો