વાપી : દમણમાં નાની અને મોટી દમણને જોડતો મહત્ત્વપૂર્ણ રાજીવ ગાંધી સેતુ હાલ અકસ્માત ઝોન બની રહ્યો છે. દમણ પ્રશાસન દ્વારા આ બ્રિજ પર વાહનોની ઝડપ મર્યાદા 40 કિમી/કલાક નિર્ધારિત કરવામાં આવી છે. અને તેના માટે ચેતવણીરૂપ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આમ છતાં અનેક વાહનચાલકો આ નિયમોની ઐસીતૈસી કરીને સેતુ પર પૂરઝડપે વાહનો દોડાવી જોખમી રીતે ઓવરટેક કરતા નજરે પડે છે, જેના પરિણામે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે દારૂના નશામાં ધૂત થઈને વાહન ચલાવનારા તત્ત્વો ઝડપ મર્યાદા સંપૂર્ણપણે ભૂલી જાય છે. જે બાદ તેઓ અન્ય નિર્દોષ વાહનચાલકો માટે કાળ સમાન સાબિત થાય છે. રાજીવ ગાંધી સેતુ પર સુરક્ષા અને મોનિટરિંગ માટે અદ્યતન સીસીટીવી કેમેરા કાર્યરત છે, ત્યારે પ્રશાસન કેમ મૂકપ્રેક્ષક બનીને બેઠું છે તેવો સવાલ ઊભો થયો છે. માત્ર ઝડપ મર્યાદાના બોર્ડ લગાવી સંતોષ માનવાને બદલે સીસીટીવી ફૂટેજના આધારે સ્પીડિંગ અને જોખમી ડ્રાઇવિંગ કરતા વાહનચાલકોને શોધીને આકરો દંડ ફટકારવો જોઈએ, મોટી દમણ વિસ્તારમાં અનેક પ્રતિષ્ઠિત સરકારી તેમજ ખાનગી શાળાઓ આવેલી છે. દરરોજ માસૂમ બાળકો સ્કૂલવાન, રિક્ષા અને બસો મારફ્તે આ સેતુ પરથી પસાર થાય છે. આવા સંજોગોમાં નશાખોર અને બેફામ ડ્રાઇવિંગ કરતા ચાલકોના કારણે કોઈ મોટી હોનારત કે જાનહાનિ સર્જાય તેવો ભય સતાવી રહ્યો છે. રાજીવ ગાંધી સેતુ પર લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા સ્પીડ વાયોલેશન અને ઓવરટેકિંગ પકડીને તાત્કાલિક ઈ-ચલણ ફ્ટકારવામાં આવે તથા નશાની હાલતમાં વાહન ચલાવનારા સામે 'ડ્રંક એન્ડ ડ્રાઇવ' ઝુંબેશ ચલાવવાની માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો